[Gujarati/ગુજરાતી] ઊર્જા અને પાણી બચત માટે ભાડુઆતો માટેની માર્ગદર્શિકા

A renter's guide to saving energy and water

Publisher

Australian Government

Date

ઊર્જા અને પાણી બચતનાં પગલાંનો લાભ મેળવવા માટે તમારે ઘર માલિક હોવું જરૂરી નથી. લગભગ એક તૃત્યાંશ ઓસ્ટ્રેલિયનો ભાડાંનાં મકાનમાં રહે છે, અને તમારાં ભાડાંનાં મકાનમાં તમે શું બદલી શકો તેમાં મર્યાદા હોવા છતાં, સોલાર પેનલો અને વરસાદી પાણીની ટાંકીનો વિકલ્પ ન હોય તો પણ, તમારા બિલો અને પર્યાવરણ પર અસર ઘટાડવાનાં માર્ગો છે. હકીકતમાં ઊર્જા અને પાણીની બચતનાં સૌથી અસરકારક પગલાં જે તમે લઇ શકો તે કોઇ પણ આર્થિક ખર્ચ વગર તમારી રોજીંદી આદતોમાં થોડો ફેરફાર કરવા પર કેન્દ્રીત છે.

તમે થોડા સમય માટે ભાડે રહેતા હોવ કે લાંબા સમય માટે, ઘણી બધી સરળ, ઓછી ખર્ચાળ વસ્તુઓ તમે કરી શકો છો કે જેથી ઊર્જા અને પાણીનો વપરાશ ઘટશે અને સુખસગવડો કે જીવનશૈલીનો ત્યાગ કર્યા વગર કેટલાક વર્ષોમાં કંઇક સેંકડો ડૉલર બચે.

ઊર્જા બચાવનારા ઉપાયો

ઊર્જાની અસરકારકતા (ક્યારેક તેને અસરકારક ઊર્જા ઉપયોગ કહે છે) એટલે સમાન કાર્યક્ષમતા, સુખસગવડો અને અનુકૂળતા પૂરી પાડવા માટે ઓછી ઊર્જાનો ઉપયોગ. ઘર વપરાશ ઊર્જા ઉપયોગ અને બિલો ઘટાડવા નીચે મુજબનાં વ્યવહારિક પગલાં લઇ જુઓ.

  • અસરકારક-ઊર્જા ઉપકરણો પસંદ કરો. ઘર વપરાશનાં ઉપકરણો તમારી ઊર્જા ઉપયોગનો ૩૦ ટકા સુધીનો હિસ્સો બની શકે છે, તેથી તમે કયા પ્રકારનાં ઉપકરણો પસંદ કરો છો અને તેમનો કઇ રીતે ઉપયોગ કરો છો તેની તમારા ઊર્જા વપરાશ અને બિલો પર મોટી અસર પડે છે. જો તમે નવું ઉપકરણ ખરીદવાનાં હોવ તો, અસરકારક-ઊર્જા મોડેલ ખરીદવાનું વિચારો. તે કેટલું ઊર્જા અસરકારક છે તે નક્કી કરવા ઊર્જા અસરકારકતા (એનર્જી રેટિંગ) લેબલ જુઓ - જેટલા વધારે તારા એટલી વધુ ઊર્જા અને નાણાં તમે બચાવી શકો.
  • તમારા વાતાવરણને નિયંત્રિત કરો. ઘર વપરાશ ઊર્જાનો લગભગ ૪૦ ટકા ભાગ ગરમ કે ઠંડું કરવામાં જાય છે. શિયાળામાં, તમારા ઉષ્ણતા તાપમાનમાપક (હીટિંગ થર્મોસ્ટેટ) અંકને ૧૮-૨૦ ડીગ્રી સેલ્સિયસ પર રાખવા વિશે વિચારો. ઉનાળામાં, તમારા શીતળતા તાપમાનમાપક (કુલિંગ થર્મોસ્ટેટ) અંકને ૨૫-૨૭ ડીગ્રી સેલ્સિયસ પર રાખવા પ્રયત્ન કરો. થર્મોસ્ટેટને ફક્ત એક ડીગ્રી વધુ (કે ઓછુ) રાખતાં તમારા ઘરને ગરમ કે ઠંડું કરવામાં વપરાતી ઊર્જામાં ૫થી ૧૦ ટકાનો ઘટાડો થાય છે. જ્યારે તમારું એસી કે હીટર ચાલુ હોય ત્યારે, અંદરનાં બારણાં બંધ કરીને જે ઓરડા તમે નથી વાપરી રહ્યા તેને બંધ કરી દો.
  • ગાબડા અને તિરાડો ભરો. તમારા ઘરને તિરાડો મુક્ત (ડ્રાઉટ-પ્રુફ) કરવાથી અને ગરમ કે ઠંડી હવા ગાબડા કે તિરાડોમાંથી બહાર નીકળી જતી અટકાવીને તમે તમારું ઊર્જા બિલ ૨૫ ટકા સુધી ઘટાડી શકો છો. રેતી ભરેલું કાપડનું ('સાપ' જેવું લાંબું) હવા અટકાવવાની વસ્તુથી બારણાંની નીચેનું પોલાણ ભરીને (ડ્રાઉટ સ્ટોપર) બારણાંની નીચેથી હવા નીકળી જતી અટકાવવા કોશિષ કરો અને બારણાં, ફ્લોરબાર્ડ, સ્કર્ટિંગ બોર્ડ, છતની બારી (સ્કાયલાઇટ) અને કોર્નિસો માટે ઋતુઓની અસર અટકાવતાં (વેધર) સીલ્સનો ઉપયોગ કરો. કોઇ પણ જાતનું વેધર સીલ લગાડતાં પહેલાં તમારાં ઘરમાલિકને પુછો.
  • બારીની અસરકારકતા વધારો. માપસરનાં પડદાં અને બ્લાઇન્ડ દ્વારા બારીની જોડે જ સ્થિર હવાનું સ્તર અટકાવી રાખીને ગરમી બહાર નીકળી જતી અટકાવો. તમે શિયાળામાં સૂર્યકિરણો અંદર આવે તે માટે દિવસ દરમ્યાન પડદાં ખોલી શકો છો અને અંધારું થાય તે પહેલાં તે પાછા પાડી શકો છો. એજ રીતે, ઉનાળામાં દિવસનાં સૌથી ગરમ સમયે પડદાં પાડી દેવા એ સારો ઉપાય છે.
  • એરકંડીશનર કરતાં પંખો પસંદ કરો. છત અને પેડેસ્ટલ પંખા ચલાવવાનો ખર્ચ પ્રતિ કલાક લગભગ એક સેન્ટ થાય છે અને એર-કંડિશનર કરતા ઘણા ઓછા ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન કરે છે. પંખા હવાનું પરિભ્રમણ કરવામાં મદદ કરે છે અને તેનો ઉપયોગ હવા ઠંડક પ્રણાલીઓની અસરકારકતા સુધારવા તેમજ ગરમ હવાનું પરિભ્રમણ કરવા અને શિયાળામાં તમારી ઉષ્ણતા કાર્યક્ષમતા સુધારવા માટે થઈ શકે છે.
  • અસરકારક-ઊર્જા લાઇટો નંખાવવી. ઘર વપરાશ ઊર્જાનો લગભગ ૭ ટકા હિસ્સો લાઇટિંગમાં જાય છે. અસરકારક-ઊર્જા લાઇટો લગાડીને અને લાઇટોનો અસરકારક રીતે ઉપયોગ કરીને તમે ઘરમાં અજવાળું રાખવા માટે થતાં ખર્ચને અડધો કરી શકો છો. જૂની શૈલીના ગરમીથી પ્રકાશીત ગોળાઓને કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ્સ (સીએફએલ) અથવા પ્રકાશ ઉત્સર્જન કરતા ડાયોડ (એલઇડી) થી બદલવા એ ઊર્જા ખર્ચ બચાવવાનો એક અસરકારક માર્ગ છે. સીએફએલ જુના પ્રકારનાં લાઇટનાં ગોળાની સરખામણીએ ૨૦ ટકા ઓછી ઊર્જા વાપરે છે અને તે ૪થી ૧૦ ગણાં વધુ ચાલે છે.
  • ઉપયોગમાં ન હોય ત્યારે વપરાતી ઊર્જા. ઘણાં ઉપકરણો અને સાધનો, જેવા કે ફોનનાં ચાર્જરો, ગેઇમ કોન્સોલ્સ, માઇક્રોવેવ અવન અને સ્ટીરીઓ ઉપયોગમાં ન હોય ત્યારે પણ ઊર્જા વપરાશ કરતાં (સ્ટેન્ડબાય પાવર) રહે છે. આવો સ્ટેન્ડબાય પાવર તમારા ઘરની વીજળી વપરાશનાં ૧૦ ટકા ભાગ હોય શકે છે. તેમનો ઉપયોગ કરી રહો પછી ઉપકરણો અને સાધનોને દીવાલ પરની સ્વીચથી બંધ કરી દઇ તમે ઊર્જાનો ઉપયોગ અને તમારા બિલો બંનેમાં કાપ મૂકી શકો છો. જો તેના પર નાની સ્ટેન્ડબાય લાઇટ કે ઘડિયાળ હોય તો, તે ઊર્જા વાપરી રહ્યું છે.
  • ફ્રીજ અને ફ્રિઝર. તમારા ફ્રીજ માટે શ્રેષ્ઠ તાપમાન ૩ અને ૫ ડીગ્રીની વચ્ચે છે, અથવા તમારા ફ્રિઝર માટે ઋણ (માઇનસ) ૧૫થી માઇનસ ૧૮ ડીગ્રીની વચ્ચે છે. તેનાથી નીચે દર એક ડીગ્રીએ ૫ ટકા વધુ ઊર્જાની જરૂર પડે છે. તમારા ફ્રીજ અને ફ્રિઝરની અકરકારકતા વધારવા માટે તેમાં જામેલો બરફ દૂર કરો અને તેમની ચારે બાજુ હવા ફેર થવા દેવા ૫-૮ સેન્ટીમીટરની જગ્યા છોડો. જો મનોરંજન માટે તમારી પાસે બીજું ફ્રીજ હોય તો, તેને ફક્ત જરૂર હોય ત્યારે જ તે ચાલુ કરો.
  • કપડાં ધોવા અને સૂકવવા. જ્યારે મશીનથી કપડાં ધોતાં હોવ ત્યારે, ઠંડું પાણી વાપરીને અને શક્ય હોય તેટલી ટૂંકી સાઇકલ વાપરીને, કપડાંનાં જથ્થાનાં પ્રમાણમાં પાણીનું સ્તર પસંદ કરીને અને આખું મશીન ભરાય તેટલા કપડાં થાય ત્યાં સુધી રાહ જોઇને ઊર્જા અને પાણી બચાવો. વીજળીથી ચાલતાં કપડાં સૂકવવાનાં મશીન કરતાં દોરી પર કપડાં સૂકવો - તે મફત છે.

પાણી બચાવવાનાં સૂચનો

અસરકારક રીતે પાણી વાપરવાથી દરેક ટીપાંની અને ડૉલરની ગણતરી થઇ શકે છે. ઘરમાં અને બગીચામાં પાણીનો સમજાદારીપૂર્વકનો ઉપયોગ કરવા માટે લેવાય તેવા ઘણાં પગલાં છે જેથી આપણાં ભવિષ્ય માટે પાણીને બચાવવામાં મદદ મળે.

  • અસરકારક રીતે પાણીનો ઉપયોગ કરતાં ઉપકરણો અને નળો વિશે વિચારો. જ્યારે નવું ઉપકરણ અથવા નળ ખરીદતાં હોવ ત્યારે પાણીની અસરકારકતાં જળવાય તેવું મોડેલ લેવાનું વિચારો. વોટર એફિસિયન્સી લેબલ અને સ્ટાન્ડર્ડ (ડબ્લ્યુઇએલએસ) રેટીંગ જુઓ.
  • નળોનો અસરકારક રીતે ઉપયોગ કરો. દર સેકન્ડે એક ટીપું પાણી ગળતું હોય તેવો નળ એક વર્ષમાં ૧૨,૦૦૦ લિટરથી વધુ પાણીનો બગાડ કરે છે. ગળતાં નળનું જેમ બને તેમ ઝડપથી સમારકામ કરીને પાણી બચાવો. તમે એરેટર લગાડીને તમારાં પાણીનાં વપરાશને ઘટાડી શકો છો. એરેટર પાણીનાં પ્રવાહને મર્યાદીત કરે છે અને તે નળની અંદર કે બહાર લગાડી શકાય છે. તેમ કરતાં પહેલાં કદાચ તમારે તમારાં ઘરમાલિકને પુંછવું પડે.
  • અસરકારક રીતે પાણીનો વપરાશ કરતાં નહાવાનાં ફૂવારા. જો તમારી પાસે જૂના બિનકાર્યક્ષમ નહાવાનાં ફુવારા હોય, તો તમારા મકાનમાલિકને તેમને પાણી-કાર્યક્ષમ મોડેલોથી બદલવા માટે કહી જુઓ કારણ કે તે લગભગ એક તૃતીયાંશ પાણી વાપરે છે અને ઊર્જા અને પાણીના બિલમાં દર વર્ષે $૨૦૦ થી વધુ બચાવી શકે છે.
  • સંડાસ ફ્લશ કરવું. જ્યારે ડ્યુઅલ-ફ્લશ સંડાસનો ઉપયોગ કરતાં હોવ ત્યારે જો યોગ્ય હોય તો અડધા ફ્લશનો ઉપયોગ કરો. જો તમારાં ઘરમાલિક સિંગલ-ફ્લશ સંડાસને બદલી રહ્યા હોય તો, પાણીનો અસરકારક વપરાશ કરતાં ડ્યુઅલ ફ્લશ મોડેલનું સૂચન કરવાનું વિચારો, કેમ કે તે પ્રતિ દિવસ વ્યક્તિ દીઠ ૫૧ લિટર બચાવી શકે છે. જો તે એક વિકલ્પ ન હોય તો, તમે સંડાસની પાણીની ટાંકી (સિસ્ટર્ન) માં પાણી વિસ્થાપન ઉપકરણ (વોટર ડિસપ્લેસમેન્ટ ડીવાઇસ) અથવા પાણી ભરેલી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને તેની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટાડી શકો છો.
  • બગીચામાં પાણીનો ઉપયોગ ઘટાડો. પરંપરાગત લીલું ઘાસ તમારાં બગીચાનાં પાણીનાં ૯૦ ટકા સુધીનો ઉપયોગ કરી શકે છે. તમે તમારા ઘાસ કાપવાનાં મશીનને ૪ સેન્ટીમીટર કે તેથી ઊંચું કાપવા માટે સેટ કરીને એમાં ઘટાડો કરી શકો છો. તમે પાણી છાંટવાની રીતમાં સુધારો કરીને અને ઓછું પાણી વાપરતાં ઉત્પાદનોનો પસંદ કરીને પણ તમારાં બગીચામાં વપરાતા પાણીમાં ઘટાડો કરી શકો છો.

ભાડુઆતો માટેનાં સંસાધનો

તમારાં ઘરમાલિક અથવા એસ્ટેટ એજન્ટ સાથે વાત કરવી

કોઇ પણ ટકાઉ સુધારા સહિતનાં સમારકામ, નિયમિત જાળવણી કે સાફસફાઇ (સર્વિસિંગ) અથવા લાંબાગાળા સુધી જાળવવા માટે જરૂરી સમારકામ (મેંન્ટેનન્સ) માટે, સામાન્ય રીતે તમારા ઘરમાલિકની પરવાનગી (અને નાણાંની જોગવાઇ) ની જરૂર પડશે. દરેક રાજ્ય અને પ્રદેશમાં ભાડૂઆતો માટે અલગ-અલગ કાયદા હોય છે, તેથી મિલકતમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા સંશોધન કરવું અને પરવાનગી લેવી મહત્વપૂર્ણ છે.

ટકાઉ સુધારા કરાવવા માટે તમારાં ઘરમાલિક અથવા એસ્ટેટ એજન્ટને વિનંતી કરતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • વળતર અને સહાય. ટકાઉ સુધારા કરાવવા માટે મકાન માલિકોને શ્રેણીબધ્ધ સરકારી વળતર અને સહાય ઉપલબ્ધ છે. તમારી વિનંતીને સહાયરૂપ થવા તમે તમારા ઘરમાલિક વતી કેટલીક માહિતી મેળવી શકો છો અને અમારા વળતર અને સહાય વિભાગમાં તમારી પરિસ્થિતિને શું લાગુ પડે છે તે જુઓ.
  • કરમાં કપાત. મિલકતમાં કરવામાં આવતાં ઘણાં સુધારા તેમ જ સમારકામ અને જાળવણી કાર્યો કર કપાતને પાત્ર હોય છે. તમારા ઘરને કઈ વસ્તુઓ લાગુ પડે છે તે જોવા અને તમારા મકાનમાલિકને કોઈ સારા સમાચાર પહોંચાડવા માટે તમે ઓસ્ટ્રેલિયાની કર કચેરીની 'ભાડાની મિલકતના માલિકો માટે માર્ગદર્શિકા (ગાઇડ ફોર રેન્ટલ પ્રોપર્ટી ઓનર્સ)' જોઈ શકો છો.
  • રોકણમાં ફાયદા. ઊર્જા અને પાણીનાં અસરકારક વપરાશમાં વધારો કરતાં મિલકત સુધારણામાં રોકાણ કરીને તમારાં ઘરમાલિક, ભવિષ્યનાં ખરીદનાર અને ભાડુઆતોને માટે તેને વધુ આર્કષીત બનાવીને, તે મિલકતની કિંમત વધારી શકે છે.

સુનિશ્ચિત કરો કે તમે તમારાં ઘરમાલિક કે રીઅલ-એસ્ટેટ એજન્ટને કોઇ પણ વિનંતી કરો તો તે લેખિતમાં કરો. તમારાં ઘરમાલિક કે રીઅલ એસ્ટેટ એજન્ટ સાથે, ફેરફાર કે સુધારણા માટેની કોઇ પણ વિનંતીઓ કે કરારોની નોંધ રાખવી એ પણ એક સારો વિચાર છે.

વધુ જાણવું અને બચત કરવી છે?

અંગ્રેજીમાં અકરકારક ઊર્જા, કચરો, પાણી અને મુસાફરી ઉપરાંત સરકારી સહાય પર માહિતીની વિશાળ શ્રેણી www.energy.gov.au વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

અસ્વીકરણ

કોમનવેલ્થ જે દસ્તાવેજમાંથી અનુવાદ કરવામાં આવ્યો હતો તેની અધિકૃતતાની બાંયધરી આપતું નથી અને મૂળ દસ્તાવેજ અથવા આ અનુવાદમાં સમાવિષ્ટ કોઇપણ માહિતીની ચોક્સાઇ અથવા અન્યથા અંગે કોઇ મંતવ્યો વ્યક્ત કરતું નથી. કોમનવેલ્થ અનુવાદની ચોકસાઇ સહિત આ અનુવાદનાં સંબંધમાં કોઇ બાંયધરી આપતું નથી. કોમનવેલ્થ અને તેના અધિકારીઓ, કર્મચારીઓ અથવા એજન્ટો કોઈપણ વ્યક્તિના આ અનુવાદના ઉપયોગ અથવા તેના પર નિર્ભરતાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થતા કોઈપણ નુકસાન, ઈજા માટે જવાબદાર રહેશે નહીં, પછી ભલે આવો ઉપયોગ અથવા નિર્ભરતા એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અથવા સલાહ પર આધારિત હોય કે ન હોય.